Thursday, August 9, 2018

પરોઢનું પારિજાત


 
 સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “જુના ધર્મોએ કહ્યું: જેને પ્રભુમાં શ્રધ્ધા નથી,તે નાસ્તિક છે. નવો ધર્મ કહે છે. જેને પોતાની જાતમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે.”
    આત્મશ્રદ્ધાનો મહિમા થયો છે આ વાક્યમાં. અપાર શક્તિ છે આત્મશ્ર્ધ્ધામા.
માનવની ભીતર પડેલી શક્યતાઓને પ્રગટ કરે છે આત્મશ્રધ્ધા.
    ભીતર ભંડારાયને પડેલી શક્તિને પિછાણીને કાર્યાન્વિત કરવાથી સફળતા તરફ ગતિ થાય.
    આત્મશ્રધ્ધા,આત્મવિશ્વાસ એટલે પોતાની જાતમાં અખૂટ અને અતૂટ શ્રધ્ધા. આત્મશ્રદ્ધાથી જ ઉચ્ચ ધ્યેયો સિદ્ધ થઈ શકે છે. ધ્યેય પ્રત્યે જોમ અને તરવરાટથી આગળ વધવા માટે આત્મશ્રધ્ધા જ મુખ્ય છે.નિષ્ફળતા, નિરાશા, આપતિ, પ્રતિકૂળતાના વમળોમાં આપણી જીવનનૈયા હાલક-ડોલક થાય છે,ત્યારે આત્મશ્રધ્ધા જ જીવનનૈયાને ઈચ્છિત મુકામ પર પહોંચાડે છે.
  આત્મશ્રદ્ધાનું મહિમાગાન કરતાં કલ્યાણજી મહેતાએ કહ્યું છે,
     “દીવાલો દુર્ગની ફાટે તમારા કેદખાનાની,
      તૂટે જંજીર લોખંડી તમારી આત્મશ્રદ્ધા તો.
      તમારા માર્ગમાં ઊભા પહાડોયે ખસી જાશે;
      બિયાબાં માર્ગ દઈ દેશે તમારી આત્મશ્રધ્ધા તો.”
     પ્રયાસ હોય,પરંતુ આત્મશ્રદ્ધાનો અભાવ હોય તો નિષ્ફળતા મળતાં નિરાશા ઘેરી વળે. આત્મશ્રધ્ધા જ અડચણોમાંથી પણ કેડી કાઢે.વિટંબણાના વમળોમાંથી બહાર કાઢી માનવને વાટે ને પાટે ચડાવે છે આત્મશ્રધ્ધા. જાત પ્રત્યે ભરોસો રાખી જે ઝઝૂમે છે તે જ જીતે છે.
  કવિ પ્રહલાદ પારેખ યથાર્થ કહે છે,
    “આપણે ભરોસે આપણે ચાલીએ
     એક મહેનતના હાથને ઝાલીએ રે...
     ખુદનો ભરોસો હોય નહીં તેને
     ખુદાનો ભરોસો નકામ.”
  આત્મશ્રદ્ધાનો દિપક જ આપણા દીનતા અને હીનતાના અંધારાને ઉલેચે છે.
  આવો,આપણે તારીખ:૧૦-૦૮-૨૦૧૮ને શુક્રવારની સુરમ્ય પ્રભાતે “આત્મશ્રધ્ધા” ની અસીમ શક્તિને પીછાણીએ...
  ઝાકળ બિંદુ:
      “શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
       નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાંખજે
       મનને મંદિર જોજે અંધકાર થાય ના..
       ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના.”
                                                  (પ્રાર્થના)
જી.બી.કેશુર
૧૦-૦૮-૨૦૧૮
રાજકોટ
૯૯૨૫૫૪૪૬૧૨

No comments:

Post a Comment

મૌન

     પંચતંત્રમાં કહ્યું છે, “ मौनं सर्वार्थसाधनम् । ”મૌનથી સર્વ કામો પાર પડે છે.      મૌનનો મહિમા થયો છે આ સુક્તિમાં. વાણીનો અસંય...